પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૭

આગામી કાર્યક્રમો

આગામી કાર્યક્રમો તા.૨૫-૯-૨૦૦૭ની સાંજે કવિ, વિવેચક ધીરુ પરીખ ઉશનસ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન ગોવર્ધન સ્મૃતિમંદિરમાં આપશે. વિષય છે ‘જીવન અને કવિતા’.

                              *

ગયે વર્ષે યોજેલી લેખિકાઓની (એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે) એકાંકી નાટ્યલેખનની શિબિર દરમિયાન લખાયેલ એકાંકીઓમાંથી પસંદ કરેલી ત્રણ નાટિકાઓ તા.૨૯-૯-૨૦૦૭ શનિવારે રા.વિ.પાઠક સભાગ્રિહમાં રજૂ થશે. રવિવાર તા.૩૦-૯-૨૦૦૭ના રોજ અન્ય નાટિકાઓનું કલાકારો દ્વારા પઠન થશે. (તા.૧૧-૮ અને તા.૧૨-૮ - આ કાર્યક્રમ રાક્યો હતો, પણ સંજોગવશાત તે મોકૂફ રાખવો પડ્યો હતો.) આ જ નિધિના ઉપક્રમે યોજાયેલી વાર્તાલેખન - સ્પર્ધા માટેની વાર્તાઓ તા.૧૬-૯-૨૦૦૭ સુધીમાં મોકલી આપવી.

સપ્ટેમ્બર ૨૦૦૭

‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો’ વિશે પરિસંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિર દ્વારા ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો: ઓગણીસમી સદી’ વિશેનો પરિસંવાદ પરિષદપ્રમુખશ્રી કુમારપાળ દેસાઈના અધ્યક્ષપદે તા.૪, ૫-૮-૨૦૦૭ના રોજ યોજાયો હતો. આ પરિસંવાદમાં ૧૪ સંશોધકો-સંપાદકો વિશે વિશદ છણાવટ કરતાં વક્તવ્યો થયાં હતાં. ગુજરાતી વિષયના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમ જ સાહિત્યપ્રેમીઓની સવાસો જેટલી હાજરીથી ગોવર્ધન સ્મૃતિમંદિરનો ખંડ ભર્યો ભર્યો હતો. ઉદઘાટન બેઠક ૪થી ઑગસ્ટે ૯-૩૦ વાગ્યે શરૂ થઈ હતી. રાજેન્દ્ર પટેલે સૌનું પરિસંવાદમાં સ્વાગત કર્યું હતું. દીપપ્રાગટ્ય દ્વારા રઘુવીર ચૌધરીએ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઉદઘાટન વક્તવ્યમાં ક.લા.સ્વાધ્યાય મંદિર અને પરિષદ પ્રવૃત્તિની વાત કરી હતી. ત્યાર પછી સંશોધન, સંપાદન વિશેનાં પોતાનાં સંસ્મરણો વાગોળતાં પૂર્વસૂરિ વિદ્વાન સંશોધકોને વંદન કર્યા હતા. રમેશ ર.દવેએ પરિસંવાદની ભૂમિકા બાંધી આપી હતી. અધ્યક્ષીય વક્તવ્યમાં કુમારપાળ દેસાઈએ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ જેવી પૂર્વભાષાની પીઠિકા તેમ જ સંશોધન-સંપાદનની ચર્ચા કરી હતી. ભારતીબહેન ર.દવેએ આભારદર્શન કર્યું હતું.

પ્રથમ બેઠક ૧૧-૦૦ વાગ્યે શરૂ થઈ હતી. ધનવંત શાહે ‘પંડિત સુખલાલજી’ વિશેના વક્તવ્યમાં તેમનાં જીવન અને સંશોધનાત્મક દષ્ટિની તેમ જ તત્ત્વચિંતક તરીકેની ચર્ચા કરી હતી. કુમારપાળ દેસાઈ ‘મુનિ પુણ્યવિજયજી’ વિશેના વક્તવ્યમાં સંસ્કૃત-પ્રાકૃતના તલસ્પર્શી અભ્યાસીની સંશોધનાત્મક ચીવટ, હસ્તપ્રતોની નોંધપાત્ર વ્યવસાયલક્ષી કામગીરી અને તેનું કુશળ સંચાલન તેમ જ તેમના જીવન અને સર્જનકાર્યને સરસ રીતે મૂકી આપ્યું હતું. જિતેન્દ્ર શાહે ‘મુનિ જિનવિજયજી’ના વક્તવ્યમાં જૈન ભંડારોની હસ્તપ્રતો તેમાંથી સંશોધિત-સંપાદિત કરેલાં પુસ્તકોની તેમ જ હસ્તપ્રતોની જાળવણી તેઓ કેવી રીતે કરતા હતા તેની સંશોધનાત્મક અને શાસ્ત્રીય ચર્ચા કરી હતી. વળી એમણે બીજા દિવસે પ્રોજેક્ટર દ્વારા જુદી જુદી હસ્તપ્રતોની માહિતી સઘન રીતે આપી હતી. બીજી બેઠક બપોરે ૨-૩૦ વાગ્યે શરૂ થઈ હતી, જેમાં રતિલાલ બોરીસાગરે ‘નવલરામ’ વિશે તૈયાર કરેલ પેપરનું વાચન રમેશ ર.દવેએ કર્યું હતું, જેમાં નવલરામની સંશોધનની પધ્ધતિ અને દષ્ટિ કેવી હતી તેની પાઠવાચનાના ઉદાહરણસહિત મૂકી આપી હતી. ધીરૂભાઈ ઠાકરે તૈયાર કરેલું ‘મણિલાલ ન દ્વિવેદી’ વિશેનું પેપર સતીશ વ્યાસે વાચ્યું હતું, જેમાં દાર્શનિક તરીકેનું મણિલાલનું વ્યક્તિત્વ અને તેમની સંશોધનાત્મક દષ્ટિનો સમગ્ર ચિતાર આપ્યો હતો. બળવંત જાનીએ ‘રામલાલ ચુ.મોદી’ વિશેના વક્તવ્યમાં જીવન અને સંશોધક-સંપાદક તરીકે તેમની દીર્ઘદષ્ટિને ‘ભાલણ, ઉધ્ધવ, ભીમ’, ‘કવિ ભાલણકૃત બે નળાખ્યાન’, ‘ભાલણ’ વગેરે પુસ્તકો ઉદાહરણોસહિત મૂકી આપી હતી. સુભાષ દવી ‘નર્મદ’ વિશેના વક્તવ્યમાં ‘નર્મકોશ’, ‘નર્મકથાકોશ’, ‘દશમસ્કંધ’ વગેરેની ચર્ચા દ્વારા નર્મદનું સંપાદક તરીકેનું સ્થાન ચીંધી આપ્યું હતું. ત્રીજી બેઠક બપોરે ૪-૩૦ વાગ્યે શરૂ થઈ હતી, જેમાં હસુભાઈ યાજ્ઞિકે ‘નરસિંહરાવ દિવેટિયા’ના સંશોધનાત્મક કાર્યને સઘન અને વિશદ રીતે મૂકી આપ્યું હતું. રમણ સોનીએ ‘કેશવ હર્ષદ ધ્રુવ’ વિશેના વક્તવ્યમાં સંશોધક-સંપાદક અને વિવેચક તરીકે તેમની યથાર્થ રીતે મુલવણી કરી આપી હતી. કીર્તિદા શાહે ‘મોહનલાલ દલીચંદ દેશાઈ’ વિશેના વક્તવ્યમાં તેમના જૈન સાહિત્યના ગ્રંથો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ’, ‘જૈન ગૂર્જર કવિઓ’ ભા. ૧થી ૧૦ વગેરે ગ્રંથોનું આજના સમયે કેટલું મહત્ત્વ છે તેની વિશદ ચર્ચા કરીને તેમના સંશોધનાત્મક કાર્યને બિસદાવ્યું હતું. ચોથી બેઠક ૫મી ઑગસ્ટ રવિવારે ૯-૩૦ વાગ્યે શરૂ થઈ હતી, જેમાં પારુલ કંદર્પ દેસાઈએ ‘મંજુલાલ મજમુદાર’ વિશેનાં વક્તવ્યમાં તેમનાં વિવેચન, સંશોધન અને સંપાદન વગેરે ગ્રંથોની સરસ છણાવટ કરી હતી. જેમાં ગ્રંથોની પ્રત, જોડણી, વ્યાકરણ વગેરેની વિગતે ચર્ચા કરી હતી. કાનજી પટેલે ‘મધુસૂદન મોદી’ વિશેના વક્તવ્યમાં તેમણે સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશમાં કરેલાં દશેક સંપાદનોની વિસ્તૃત ચર્ચા કરી હતી. પાંચમી બેઠક ૧૧-૦૦ વાગ્યે શરૂ થઈ હતી. રમણીકભાઈ શાહે ‘બેચરદાસ દોશી’ વિશેના વક્તવ્યમાં જૈન-પ્રાકૃત વાચનાઓનું પ્રમાણભૂત સંપાદન તેમ જ પ્રાચીન સાહિત્ય, ઐતિહાસિક તેમ જ તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં દ્યોતક અર્થઘટન વિશેની છણાવટ કરી હતી. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ‘રા.વિ.પાઠક’ વિશે ચર્ચા કરી જેમાં ‘બૃહદ પિંગળ’ની નોંધપાત્ર ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મધ્યકાલીન પિંગળ પણ રચાવું જોઈએ. આપણું સમગ્ર મધ્યકાલીન સાહિત્ય ગેય છે. ગેયનો શબ્દ જ પિંગળ અને સંગીતમાં મળે છે. અનિલા દલાલે સમાપનમાં સંશોધકો-સંપાદકો અને વિવેચકોનું કેટલું મોટું કામ છે, તેને એ.સી.બેડલે આનંદવર્ધન જેવા સંશોધકો-વિવેચકોના ઉદાહરણો સાથે મૂકી આપ્યું હતું. સમગ્ર પરિસંવાદનું સંચાલન પારુલ કંદર્પ દેસાઈએ કર્યું હતું. પરિસંવાદમાં બધાના ચહેરા પર કશુંક પામ્યાની ચમક દેખાતી હતી. - ઈતુભાઈ કુરકુટિયા ....વધુ વાંચો »

રવીન્દ્રભવન

રવીન્દ્રભવનના ઉપક્રમે ગોવર્ધન સ્મૃતિમંદિરમાં કવિવર રવીન્દ્રનાથની પુણ્યતિથિ ૭ ઑગસ્ટ ૨૦૦૭ના રોજ સાંજે શ્રી ભોળાભાઈ પટેલે ટાગોરની પ્રસિધ્ધ નવલકથા ‘ઘરે બાહિરે’ વિશે વક્તવ્ય આપ્યું. તેમણે તે સમયની બંગાળી નવલકથાઓમાં વ્યક્ત થયેલી રાષ્ટ્રભાવનાની ભૂમિકા આપી, ‘ઘરે બાહિરે’માં પ્રકટ થતી ઉદારમતવાદી રાષ્ટ્રીયતાની વિશદ ચર્ચા કરી હતી. ટાગોરે નિખિલના પાત્ર દ્વારા તેમની આ વિભાવનાને કેવી રીતે ઉદઘાટિત કરી છે તે નવલકથાની ઘટનાઓ દ્વારા ભોળાભાઈએ નિર્દેશિત કર્યું હતું. ...વધુ વાંચો »

જયન્તિ દલાલ સ્મૃતિ-સંધ્યા

પરિષદ, જયન્તિ દલાલ સ્મૃતિ સમિતિ અને જશવંત ઠાકર ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે જૌઅન્તિ દલાલની પુણ્યતિથિ તા.૨૪ ઑગસ્ટ ૨૦૦૭ની સાંજે દલાલ સાહેબને સૌએ ખૂબ યાદ કર્યા. મુખ્ય વક્તા શ્રી વિનોદ અધ્વર્યુએ તેમના અંગત પરિચય અને પ્રસંગો દ્વારા જયન્તિભાઈના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ બતાવી સ્મરણાંજલિ અર્પી. પરિષદ પ્રમુખે જયન્તિ દલાલના જીવન અભિગમમાં રહેલી માનવી પ્રત્યેની સહાનુભૂતિ અને સ્નેહને તેમના એકાંકી ‘અવતરણ’ના ઉદાહરણથી દર્શાવ્યા. શ્રી પ્રકાશ ન.શાહે આભારવિધિની સાથે આવતે વર્ષે આવનાર જયન્તિ દલાલની જન્મશતાબ્દી માટેની તૈયારીની વાત કરી. આ કાર્યક્રમ પછી જશવંત ઠાકર ફાઉન્ડેશનના શ્રી અદિતિ દેસાઈ દિગ્દર્શિત, જયન્તિ દલાલ રચિત એકાંકી ‘સ્મૃતિ-વિસ્મૃતિ’નું મંચન થયું. અદિતિબહેનની દિગ્દર્શનની, માર્મિકતાઓ પકડી નાટકને અભિનીત કરવાની, ઉત્તમ સૂઝ દર્શકોએ વધાવી લીધી. કલાકારોને અભિનંદન પાઠવી સૌ વિખરાયા....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.