વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

હવે આશા કેવી

- જયન્ત પંડ્યા


દયાળુ લોકોના દિવસ સઘળા છેક જ ગયા.
ગઈ આંખોમાંની મીઠપ મનને 'હાશ !" કરતી;
નર્યા ઉલ્લાસોનું મધુવન અરણ્યે જઈ ભળ્યું,
ગયા નાનામોટા દીપ, હૃદયઅંધાર હરતા.
અરે, આ તે કેવી પ્રગતિ? ગતિ દુ:શાસન ભણી !
ઉસેટે જે વસ્ત્રો, લઘુ વસનથી માંડ જીવતા
જનોનાં - જે ભૂખ્યા, ઘરવિહીન ને સાવ દૂબળાં;
બધે કાપાલિકો ભ્રમણ કરીને લોહી ચૂસતા.
પ્રજા આખી જાણે નીકળી પડી સંપત્તિ લણવા,
બધું આખેઆખું હડપ કરવાની રઢ લઈ;
કદી મૂલ્યો કેરી જિકર કરતાં, મોં ફરી જતું !
અને આખોમાંથી અચરજ ફૂટે હાસ કરતું !
દિવાળીના દીવા તમસ હરવા સાવ વિફલ,
તહીં આશા કેવી તમસ થકી જ્યોતિર્ગમયની !


('અખંડ આનંદ', નવેમ્બર ૨૦૦૫)



વાચનકક્ષમાં ઉમેરો: જૂન ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.