વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
ગઝલ
-હનીફ સાહિલ
		 
	 	
છદ્મવેશી છે તો એ છળ આપશે,
		માંગશો જો જળ તો મૃગજળ આપશે!
	    
આપશે ક્યારેક શ્રાવણ આંખમાં,
	    
તો કદી કોરાં જ વાદળ આપશે.
	    
લાખ એને શોધતાં મળશે નહીં,
	    
ને બધે હોવાની અટકળ આપશે.
	    
વિતશે આ કેમ અવસાદી ઋતુ ?
	    
પાત્રમાં કેવળ તૃષાપળ આપશે?
	    
વાયદો જો આપશે મળવાનો પણ,
	    
સાવ ખોટા એ સમય સ્થળ આપશે.
	    
ક્યાં હવે દોરી જશે મુજને નસીબ!
	    
ક્યાં લઈ જઈને એ અંજળ આપશે?
	    
હાથમાંથી લઈને કાસદના હનીફ,
	    
એ પરત મુજને જ કાગળ આપશે!
		
					
		
(શબ્દસૃષ્ટિ : ઑગસ્ટ-૨૦૦૫)
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.