ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રામનારાયણ વિ. પાઠક


રામનારાયણ વિ. પાઠક  Ramnarayan V Pathak

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧માં એલ.એલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી પણ ક્ષયરોગનું નિદાન થતાં સાદરામાં સ્થિર થયા. પર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો પણ ૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઈન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત કેળવણીમંડળમાં જોડાઈ જે.એલ. ન્યુ ઈન્ગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે તેમજ ‘પ્રસ્થાન’ માસિકના ૧૯૨૫-૧૯૩૭ દરમ્યાનના તંત્રી તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્યકારપેઢીના એવા માર્ગદર્શક બન્યા કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિ:શુલ્ક સેવા કરતાં કરતાં એમણે ખાનગી ટ્યૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.

ગાંધીયુગની કવિપેઢીના ‘સાહિત્યગુરુ’ ગણાયેલા રા.વિ. પાઠકનું વિવેચનકાર્ય સમતોલ, સઘન અને નીરક્ષરવિવેક સંપન્ન છે. પાંડિત્યપૂર્ણ વિવેચનાની અવેજીમાં વિશદતા, તાટસ્થ્ય અને માનવકેન્દ્રી સત્યારાધનને મહત્ત્વ આપતી હુંફાળી વિવેચનશૈલીને નીપજાવીને ગુજરાતી વિવેચનને એક મહત્ત્વપૂર્ણ વળાંક આપ્યો છે. ધૂમકેતુની સાથે તેમની વાર્તાઓ પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની દૃઢ ભૂમિકા રચી આપીને એક મહત્ત્વનું સીમાચિહ્ન બને છે. તો તેમની કવિતામાં પંડિતયુગ અને ગાંધીયુગની નવ્ય પ્રવૃત્તિઓનો સહિયારો નકશો સાંપડે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.