ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કાન્ત


કાન્ત  Kant

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ (૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩): કવિ, નાટ્યકાર. જન્મ ચાવંડ(જિ.અમરેલી)માં. પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં કાવ્યરચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનું મનાય છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઈસ પ્રિન્સિપાલ અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે રહ્યા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત થવાથી કરેલા પ્રાયશ્ચિત પછીયે જિંદગીભરનો હૃદયધર્મ બની રહ્યો.

૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમનું અવસાન થયું.

‘કાન્ત’ ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાયા છે. એમણે અંગત જરૂરીયાતમાંથી સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનું ગુજરાતી ખંડકાવ્ય નીપજાવ્યું. ભાષાનું અનુપમ સૌંદર્ય અને સૌષ્ઠવ એમાં સિદ્ધ થયું છે જેના દૃષ્ટાંતરૂપે ‘વસંતવિજય’, ‘ચક્રવાક મિથુન’ અને ‘દેવયાની’ મૂકી શકાય. પ્રકૃતિ, પ્રણય, પ્રભુનિષ્ઠા જેવા સનાતન કાવ્યવિષયો તેઓ નૂતન વાણીમાં નિરૂપી પોતીકી મુદ્રા અંકિત કરે છે. ‘પૂર્વાલાપ’ તેમનો કાવ્યસંગ્રહ છે જે કવિના અવસાન દિવસે જ પ્રગટ થયેલો. આ ઉપરાંત ‘શિક્ષણનો ઇતિહાસ’ કાન્તની ઊંડી અભ્યાસશીલતાના ફળ સમો આકરગ્રંથ છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.