મુદ્દો :

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા

 

આ ક્ષણે: ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે -યોગેશ જોષી

અત્યાર સુધી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે ’પરબ’માં કશું પ્રગટ થયું નથી. સ્વાયત્તતા વિશે ’પ્રત્યક્ષ’નો તંત્રીલેખ સ્મરણમાં છે. ’નિરીક્ષક’માં તથા વર્તમાનપત્રોમાં એના વિશે ચર્ચાઓ થતી રહી છે. પ્રજામાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે ગેરસમજ વધતી હોવાનું જણાય છે. ’મુઠ્ઠીભર લોકો જ સ્વાયત્તતાના નામે વાતાવરણ બગાડી રહૃાા છે : વિષ્ણુ પંડ્યા’, ’ગુજરાતી સાહિત્ય પરિષદ કરતાં અકાદમી વધુ સ્વાયત્ત : વિષ્ણુ પંડ્યા’ - જેવાં શીર્ષક બાંધીને અગ્રણી વર્તમાનપત્રમાં કંઈક ને કંઈક જોવા મળ્યું. કવિશ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર તથા પરિષદપ્રમુખશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાના પત્રો પણ અધૂરા છપાયેલા જોવા મળ્યા. વર્તમાનપત્રો તટસ્થ ન હોવાનુંય જણાય છે, તથા સત્યની ઊણપ પણ વરતાય છે. આમ પણ અત્યારે સમૂહમાધ્યમોમાં મૂલ્યોનો હ્રાસ જોવા મળે છે. અંગત સ્વાર્થ સાધવાની વૃત્તિ ઠેર ઠેર દેખાય છે. આ પરિસ્થિતિમાં સ્વાયત્તતાના સત્ય માટે ઝઝૂમનારાઓ ’મુઠ્ઠીભર’ જ હોય એ સ્વાભાવિક છે. સરકાર દ્વારા ચાલતી ’ગુજરાત સાહિત્ય અકાદમી’ને ઉમાશંકર જોશી, દર્શક, યશવંત શુક્લ જેવા સાહિત્યકારોએ અથાક પ્રયત્નો પછી સ્વાયત્ત કરી હતી. લોકશાહી ઢબે અધ્યક્ષ ચૂંટાતા. લોકશાહી ઢબે કાર્ય કરવા માટે બંધારણ ઘડાયું. દર્શક તથા ભોળાભાઈ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા. ભોળાભાઈનો કાર્યકાળ પૂરો થયા પછી ’અધ્યક્ષ’ વગર માત્ર મહામાત્ર દ્વારા કાર્યભાર ચાલ્યો. બંધારણને સુષુપ્ત અવસ્થામાં રાખી દેવાયું. બંધારણને ફરી જીવંત કરવા અને અકાદમીને સાચા અર્થમાં સ્વાયત્ત કરવા નારાયણ દેસાઈએ અવાજ ઉઠાવ્યો.

પરંતુ, છેવટે સુષુપ્ત કરી દેવાયેલા બંધારણનોય ધ્વંસ કરી દેવાયો ને સરકાર દ્વારા જ અધ્યક્ષની સીધી નિમણૂક થવા લાગી. ચૂંટાઈને અધ્યક્ષ થવું એ ગૌરવપ્રદ લેખાય. વળી એ રીતે ચૂંટણીની પ્રક્રિયા મારફતે અધ્યક્ષ નિમાય એ હેતુસર તો સ્વાયત્ત અકાદમીનું બંધારણ ઘડાયેલું.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે પ્રજાની સમજ અને જાગૃતિ વધે એ અત્યંત જરૂરી છે. કેટલાંક વર્તમાનપત્રો સત્યને ઉજાગર કરવાના બદલે ગેરસમજ વધારતાં હોય તેવું જણાય છે.

આ સંજોગોમાં સાચી વાત પ્રજાજનો સુધી પહોંચે અને ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો અવાજ વધારે બુલંદ બને એ જરૂરી છે. આ માટે આ અંકમાં પ્રમુખીય લેખ ઉપરાંત રઘુવીરભાઈ, મહામંત્રી પ્રફુલ્લભાઈ, પરેશ નાયકના લેખો તથા સિતાંશુ યશશ્ચન્દ્ર, રમણ સોની તથા અન્યોના પત્રો પ્રગટ કર્યા છે.



પ્રમુખીય : સ્વાયત્તતા - એક મોંઘી જણસ - ચન્દ્રકાન્ત ટોપીવાળા

ગુજરાતી અગ્રણી દૈનિક પણ જો એમ માનતું હોય કે ’ગુજરાતી સાહિય પરિષદ’ અને ’ગુજરાત સાહિત્ય અકાદમી’ સાહિત્યસેવા માટે નહીં, પરંતુ સામસામે બાંયો ચડાવવા બદલ કુખ્યાત થઈ રહી છે, તો સામાન્ય ગુજરાતી સાહિત્યસેવી પ્રજાજન આ બંને સંસ્થા અંગેની સમજમાં અટવાયા કરે એ સ્વાભાવિક છે.

પહેલાં તો મહત્ત્વની સાહિત્ય અકાદમીઓનો પરિચય કરી લઈએ. ભારતમાં દિલ્હીની કેન્દ્રસ્થ સાહિત્ય અકાદમી એવી સંસ્થા છે જે ભારતની માન્ય ભાષાઓનાં સાહિત્યોની સંભાળ રાખે છે તેમજ કેન્દ્ર સરકારના ભંડોળથી ચાલે છે, પણ એમાં લોકતાંત્રિક રીતે લેખકો દ્વારા પ્રમુખ ચૂંટાઈને આવે છે અને પ્રમુખ પ્રત્યેક ભાષાની સ્થાનિક સમિતિઓ દ્વારા સંચાલન કરે છે.
આ ઉપરાંત દરેક રાજ્યની સરકાર પોતાની સાહિત્ય અકાદમી ચલાવે છે અને દરેક રાજ્ય પોતાની સાહિત્ય અકાદમીનું સીધી નિમણૂકો દ્વારા પોતાને હસ્તક સંચાલન રાખે છે.
ભારતની દરેક ભાષાની આ રીતે સરકાર હેઠળ કામ કરતી અને સરકાર દ્વારા થતી સીધી નિમણૂકોથી વ્યવહાર ચલાવતી અકાદમીઓ વચ્ચે પ્રારંભમાં ગુજરાત રાજ્યની ’ગુજરાત સાહિત્ય અકાદમી’ પણ સરકાર હેઠળ અને સરકાર દ્વારા થતી સીધી નિમણૂકોથી ચાલતી હતી. પરંતુ ગર્વની વાત છે કે ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, મનુભાઈ પંચોલી ’દર્શક’ જેવા સાહિત્યકારોના અથાક પ્રયત્નો પછી ’ગુજરાત સાહિત્ય અકાદમી’ એક માત્ર એવી અકાદમી બની જે સરકાર દ્વારા નહીં પણ સાહિત્યકાર-મતદાર મંડળમાંથી ચૂંટાયેલા સાહિત્યકારો અને એ ચૂંટાયેલા સાહિત્યકારો દ્વારા ચૂંટાયેલા અધ્યક્ષ દ્વારા લોકશાહી ઢબે કાર્યરત થઈ અને એમ થતાં ગુજરાતને એક મોંઘી જણસ સાંપડી. દર્શક, ભોળાભાઈ પટેલ જેવા ચૂંટાયેલા અધ્યક્ષોએ સફળ એવી કામગીરી પણ બજાવી.

પરંતુ, ત્યારબાદ એક તબક્કે સાહિત્યકાર સભ્યો ચૂંટાયા છતાં તત્કાલીન ગુજરાત સરકારે પોતાને મોકલવા જોઈતા પ્રતિનિધિઓ ન મોકલી મતદાર મંડળને પૂર્ણ થવા ન દીધું. હા, ’ગુજરાત સાહિત્ય અકાદમી’ના બંધારણમાં ચૂંટાયેલા અધ્યક્ષ સાથે સરકાર તરફથી મહામાત્રની નિમણૂંક પામતી હોઈ, અધ્યક્ષ વગર માત્ર મહામાત્ર દ્વારા ’ગુજરાત સાહિત્ય અકાદમી’નો કાર્યભાર ચાલ્યા કર્યો.

આમ છતાં, એક તબક્કે ’ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા ’શબ્દસૃષ્ટિ’ નામક ચાલતા સાહિત્યિક સામયિકમાં અચાનક સંપાદકની ઉપર સરકારી પરામર્શન મંડળ મૂકી દેતાં પહેલી વાર એમાં સુષુપ્ત બંધારણ પાછળ સરકારી હિલચાલ જોવા મળી, જે છેવટે સુષુપ્ત બંધારણને બાજુએ રાખીને ચૂંટણી વગર સરકાર દ્વારા અધ્યક્ષની સીધી નિમણૂકમાં પરિણમી. અત્યાર સુધી મહામાત્રથી ચાલતી અકાદમી દ્વારા એટલું આશ્વાાસન હતું કે સુષુપ્ત બંધારણ ક્યારેક સજીવ થશે પણ લોકતંત્રની પૂરી અવગણના કરી ચૂંટ્યા વગરના અધ્યક્ષની સીધી નિમણૂક થતાં ’ગુજરાત સાહિત્ય અકાદમી’ના બંધારણ પર કુઠારાઘાત થયો.

ચૂંટણી પ્રક્રિયા દ્વારા ઊભરતા લોકશાહી મૂલ્યની એમાં ભારોભાર અવગણના હતી. સમસ્ત ભારતમાં દિૃલ્હીની કેન્દ્રસ્થ સાહિત્ય અકાદમીને બાદ કરતાં લોકતાંત્રિક મૂલ્યો પર ઊભેલી એકમાત્ર ’ગુજરાત સાહિત્ય અકાદમી’ સરકારી બની ગઈ.

હવે, ગુજરાત સરકારે અનેક વિરોધ છતાં ’ગુજરાત સાહિત્ય અકાદમી’ના નિયુક્ત પહેલા અધ્યક્ષની સમયાવધિ પૂરી થતાં બીજા અધ્યક્ષને પણ સીધી નિમણૂક આપી દીધી છે. ગુજરાતી પ્રજાએ સમજવાનું એ રહે છે કે આ બિનબંધારણીય અને બિનલોકશાહી પગલાથી પ્રજાના સ્વાયત્તતાના અધિકાર પર સીધી તરાપ આવી છે.

આ સંદર્ભમાં જોઈ શકાય છે કે બીજી વાર સ્વાયત્તતાને કોરે મૂકીને નવા અધ્યક્ષની નિમણૂક થઈ છે અને હવે નવનિયુક્ત અધ્યક્ષ ’ગુજરાતી સાહિત્ય પરિષદ’ કરતાં ’ગુજરાત સાહિત્ય અકાદમી’ વધુ સ્વાયત્ત છે એવું તર્કહીન વિધાન કરી પોતાની નિમણૂકને સાધાર કરવા પ્રયત્ન કરી રહૃાા છે. લોકશાહી મૂલ્યોને ખાતર ઝઝૂમતા પરિષદના તેમજ અન્ય મુઠ્ઠીભર લોકો સ્વાયત્તતાને નામે વાતાવરણ બગાડી નથી રહ્યા, પણ લોકશાહીના હનન સામે ઝઝૂમતાં ઝઝૂમતાં સાહિત્યકારોને અને પ્રજાને ઢંઢોળી રહ્યા છે.

વર્ષોજૂની ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાના બંધારણીય માળખા પર ઊભેલી છે. ચૂંટાઈને આવેલા સભ્યોની એની મધ્યસ્થ સમિતિ અને કારોબારી સમિતિ છે, એનું ટ્રસ્ટીમંડળ છે અને એના સામાન્ય સભાસદો છે તેમજ એના પ્રમુખ લોકશાહી રીતે ચૂંટણી દ્વારા પદપ્રાપ્તિ કરે છે.

કેવળ જૂજ દાનભંડોળ અને મૂડી અને કોઈ પણ જાતની આવર્તિત આવક વગર નભતી ગુજરાતી સાહિત્ય પરિષદ એનાં મર્યાદિૃત સાધનો દ્વારા પ્રવૃત્તિ અને પ્રકાશનોના સત્ત્વને ભૂલ્યા વગર લાંબી પરંપરાથી આજદિન સુધી સક્રિય છે. આ જ કારણે ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રજાના પ્રહરી તરીકે સ્વાયત્તતાના મૂલ્યની રક્ષા માટે ’ગુજરાત સાહિત્ય અકાદમી’ સામે અસહકારનું પગલું લીધું છે.

અહીં સામસામે બાંયો ચડાવવાનો મુદ્દો જ અપ્રસ્તુત છે. ’ગુજરાતી સાહિત્ય પરિષદ’ માત્ર એ મૂલ્ય માટે ખડી છે, જે મૂલ્ય ’ગુજરાત સાહિત્ય અકાદમી’ ચૂકી ગઈ છે.

આ સંદર્ભમાં ૨૫ જૂન ’૭૫ના રોજ ભારતમાં લદાયેલી કટોકટીને યાદ કરતાં ૨૫-૬-૨૦૧૭ની ’મન કી બાત’માં દેશના વડાપ્રધાને આ શબ્દો ઉચ્ચાર્યા છે એ સર્વથા ઉચિત છે; લોકતંત્ર માત્ર લોકતંત્ર નથી પણ એક સંસ્કાર પણ છે, એ આપણા સંસ્કારજગતનો એક ભાગ છે. અવિરત જાગ્ાૃતિ એ સ્વાતંત્ર્યની કિંમત છે. આપણા લોકતંત્ર માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે.’ (’ઇન્ડિયન એક્સપ્રેસ’ ૨૫-૬-૨૦૧૭). આ શબ્દોને ગુજરાત સરકાર ધ્યાનમાં લઈ, એનું ઉદાહરણ પૂરું પાડે એવો અનુરોધ છે.



વિશેષ : વાત સ્વાયત્તતાની - પ્રફુલ્લ રાવલ

સર્જક માત્ર સ્વાયત્ત છે અને એટલે જ સર્જકો માટે કે સર્જકોના સર્જનના પ્રોત્સાહન અર્થે ઊભી થયેલી કે કરાયેલી સંસ્થા સ્વાયત્ત હોવી જોઈએ. અહીં વાત કરવી છે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશેની. સ્વાયત્તતાનો અર્થ સ્પષ્ટ છે : એવી સાહિત્યિક સંસ્થા જે લોકશાહી રીત્ો ચાલે. ભલે એની આર્થિક જવાબદારી રાજ્ય સરકાર ઉપાડે (એ સરકારનું કર્તવ્ય પણ છે જ), પરન્તુ એનું સંચાલન તો સાહિત્યકારોમાંથી ચૂંટાયેલા સભ્યો જ કરે. એ અર્થમાં આજે ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત નથી જે પ્ાૂર્વે સ્વાયત્ત હતી. એનું બંધારણ હતું. નોંધાયેલા સભ્યો હતા જેને મત આપવાનો કે નિયત સમયે થતી ચૂંટણીમાં ઊભા રહેવાનો હક હતો. બંધારણમાં ફેરફાર કરવા માટે નોંધાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવવાની એ બંધારણમાં જોગવાઈ હતી. આ બંધારણની બૉમ્બે સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ નોંધણી કરાઈ હતી. સાથે સાથે એની સોસાયટી રજિસ્ટ્રેશન ઍક્ટ (૧૮૬૦) હેઠળ પણ નોંધણી કરાઈ હતી. પરન્તુ આ બંધારણની અવગણના કરીને રાજ્ય સરકારે ૭-૪-૨૦૧૫ના રોજ એક પરિપત્ર દ્વારા નિવૃત્ત સનદી અધિકારીને ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ બનાવી દીધા. એટલું જ નહીં અકાદમીમાં અધ્યક્ષ, મહામાત્ર, કાર્યવાહક સમિતિ, માર્ગદર્શક સમિતિ સહિતની તમામ નિમણૂકો રાજ્ય સરકાર જ કરશે એવો ઠરાવ પણ સરકારે કર્યો. ટૂંકમાં અકાદમી સરકારનું એક ખાતું બની ગઈ. એ રીતે અકાદમીની સ્વાયત્તતાનો છેદ ઊડી ગયો. ગુજરાત સાહિત્ય અકાદમીના ઇતિહાસમાં ડોકિયું કરીશું તો સ્વાયત્તતાની વાત સ્પષ્ટ થશે.

૧૯૮૧માં ગુજરાત સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી જે ’સ્વાયત્ત રજિસ્ટર્ડ સંસ્થા’ એવું એના ઉદ્દેશપત્રમાં દર્શાવ્યું હતું. ૧૯૮૨માં ગુજરાત સાહિત્ય અકાદમી કાર્યાન્વિત થઈ. એના પહેલા અધ્યક્ષ મોહમ્મદ માંકડ નિમાયા હતા. અકાદમીએ જે પ્રવૃત્તિઓ કરવા ધારેલી એમાં ગૌરવ પુરસ્કાર આપવાનું પણ ઠેરવ્યું હતું. આ સંદર્ભે જ્યારે ઉમાશંકર જોશીને એ પુરસ્કાર આપવા જણાવ્યું ત્યારે એમણે એનો સ્વીકાર ન કર્યો અને અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ મતલબનો પત્ર લખ્યો અને આરંભાયો ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો વિચાર.

ઉમાશંકર જોશીના પત્રના અનુસંધાને તત્કાલીન મુખ્યમંત્રીએ સ્વાયત્તતા સંદર્ભે મનુભાઈ પંચોલી-દર્શકને તેનું પ્રારૂપ ઘડવા અને અકાદમી કાર્યરત થાય તે માટે અકાદમીના અધ્યક્ષ થવા કહ્યું અને દર્શક કાર્યકારી અધ્યક્ષ થયા અને એમની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન થયું અને છેવટે ૧૯૯૩માં શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:ગસઅ/૧૦૯૨-૪૩૯-બ તા.૩-૪-૯૩ પરિશિષ્ટ અન્વયે મંજૂર થયેલ ઉદ્દેશપત્ર અને નિયમોથી ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત બની. નિયમો અર્થાત્ અકાદમીનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું એની રચનામાં સામાન્યસભા અને કાર્યવાહક સમિતિની જોગવાઈ સાથે મતદાર મંડળની જોગવાઈ હતી. જે મુજબ માત્ર મતદાર જ અકાદમી દ્વારા થનાર ચૂંટણીમાં ઊભો રહી શકે. એની રચના આ પ્રકારે હતી :

રચના
(૧)
(અ) અકાદમીનાં સત્તામંડળો નીચે પ્રમાણે રહેશે :
(૧) સામાન્ય સભા
(૨) કાર્યવાહક સમિતિ
(બ) અકાદમીના પદાધિકારીઓ નીચે પ્રમાણે રહેશે :
(૧) પ્રમુખ
(૨) ઉપપ્રમુખ
(૩) મહામાત્ર
(૨) સામાન્ય સભા :
(૧) રચના :
(અ) ગુજરાત સાહિત્ય અકાદમીની સામાન્ય સભામાં કુલ ૪૧ સદસ્યો નીચે પ્રમાણે રહેશે.
૧. હોદ્દાની રૂએ - ૦૫
૨. રાજ્ય સરકારે ગુજરાતી ભાષાના વિદ્વાનોમાંથી પસંદ કરેલા - ૦૫
૩. રાજ્યની ગુજરાતી ભાષાસાહિત્યની સંસ્થાઓએ ભલામણ કરેલાૉ
પ્રતિનિધિઓ દ્વારા બનેલા મતદાર મંડળે ચૂંટેલા સભ્યો - ૦૯
૪. ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ - ૦૮
૫. નવી રચાતી સામાન્ય સભાએ સહવરણી કરેલા સભ્યો - ૦૩
૬. ગુજરાતી ભાષાનાં સાહિત્યકારોના બનેલા
મતદાર મંડળે ચૂંટેલા સભ્યો - ૦૯
૭. ગૌરવ પુરસ્કાર મેળવ્યો હોય તેવા સાહિત્યકારો - ૦૨
૪૧
સ્વાયત્ત બનેલી ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ જે પૂર્વે કાર્યકારી અધ્યક્ષ હતા તે દર્શક થયા. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. દર્શકની મુદત પૂરી થતાં ૧૯૯૮માં ભોળાભાઈ પટેલ ચૂંટાયેલા અધ્યક્ષ થયા અને કુમારપાળ દેસાઈ ઉપાધ્યક્ષ થયા. અધ્યક્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો કાર્યભાર સંભાળ્યો. પુન: પાંચ વર્પ્રો (૨૦૦૩) ચૂંટણી થઈ ત્યારે ચૂંટાયેલા સાહિત્યકારો પોતાના અધ્યક્ષ ચૂંટે તે પૂર્વે ચિનુ મોદી કોર્ટમાં ગયા. અને બધું ખોરંભે પડી ગયું. સરકારને જે પાંચ સભ્યો નીમવાના હતા તેની નિમણૂક ન કરી. પરિણામે ચૂંટાયેલા સાહિત્યકારોને અકાદમીના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ ચૂંટવાની તક ન મળી. અને સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણને સુષુપ્ત કરીને કેવળ મહામાત્રથી અકાદમીનો વહીવટ ચલાવ્યો.

આ પરિસ્થિતિ પછી પણ અકાદમીનું સંચાલન થતું રહૃાું અને ક્યારેક તો પુન: બંધારણ મુજબ વહીવટ થશે કે ચૂંટણી થશે એવી આશા-અપ્ોક્ષાએ સાહિત્યકારોએ અકાદમી સાથે સુમેળભર્યા સંબંધો રાખ્યા. સુષુપ્તતાનો કાળ લંબાતો ગયો અને અચાનક ૭-૪-૨૦૧૫ના રોજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઠરાવ ક્રમાંક : ગસઅ/૧૦૨૦૧૪/૬૦૯/ફ દ્વારા એક નિવૃત્ત સનદી અધિકારીને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા.

૧૯૯૩ના બંધારણની ૭મી કલમ આમ હતી :
(૭) બંધારણ તથા નિયમોમાં ફેરફાર કરવાની સત્તા :
બંધારણમાં સુધારો કરવાનો થશે ત્યારે ત્ોની સામાન્ય સભાને ઓછામાં ઓછી પંદર દિૃવસની નોટિસ આપી ત્ો માટેની સામાન્યસભાની બ્ોઠકમાં હાજર રહેલા સભ્યોની ૩/૪ બહુમતી સુધારાની ભલામણ ગુજરાત સરકારને કરશે અને ગુજરાત સરકારની બહાલી મળ્યેથી તે સુધારો આમેજ કરી અમલી બનાવાશે. વધુમાં મેમોરેન્ડમ ઑફ ઍસોસિએશનની જોગવાઈઓમાં સંજોગોવશાત્ કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે તો ત્ોવા ફેરફારો કરવા માટે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ની કલમ-૧૨ની જોગવાઈ મુજબની કાર્યવાહી કરવાની રહેશે અને ત્ો સુધારાની ભલામણ અકાદમી રાજ્ય સરકારને કરશે અને રાજ્ય સરકારની બહાલી મળ્યેથી, તે સુધારો આમેજ કરી, અમલી બનાવી શકાશે.

આ કલમને બાજુમાં મૂકીને સરકારે ૭-૪-૨૦૧૫નો ઠરાવ અમલમાં મૂક્યો અને જ્યાં ચૂંટાયેલા સભ્યો પોતાના અધ્યક્ષને ચૂંટે તેવી જોગવાઈ હતી તે સ્થાને રાજ્ય સરકાર જ અધ્યક્ષની નિયુક્તિ કરશે એવી રચના કરી સામાન્ય સભાને નિર્મૂળ કરી. મતદાર મંડળને પણ નિર્મૂળ કર્યું. અર્થાત્ ઉમાશંકર જોશીને અભિપ્રેત અને દર્શકે ઘડેલ બંધારણથી સ્વાયત્ત થયેલી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા છીનવાઈ ગઈ અને અકાદમી સ્વાયત્ત સંસ્થા હોવી જોઈએ એ લાગણી અને માંગણી ઊભી થઈ.

અહીં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા અધિવેશનમાં થયેલ ઠરાવને જાણીએ. એ આ મુજબ હતો :
પ્રરાજ્ય સરકાર ગુજરાત સાહિત્ય અકાદમી એના તમામ અર્થમાં સ્વાયત્તપણે કામ કરે તેવી મોકળાશ આપે અને તે માટે જરૂરી કાર્યવાહી કરે. વ્યાપક લોકમત કેળવવા જરૂરી તમામ પગલા લેવા અને તેનું સંકલન કરવા માટે પરિષદની કાર્યવાહક સમિતિને અધિકાર આપવામાં આવે છે."

આ ઠરાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો અને ત્યારે જેમાં અકાદમી સ્વાયત્ત હોવાનું સ્પષ્ટ હતું તે બંધારણ અસ્તિત્વમાં હતું. પરન્તુ ૭-૪-૨૦૧૫ના પરિપત્રે લોકશાહી પ્રક્રિયાને અભરાઈએ ચડાવીને નિવૃત્ત સનદી અધિકારીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા જે સરકારનું તદ્દન ગેરબંધારણીય પગલું હતું એટલું જ નહીં, કશી પણ વિધિ કર્યા વગર બંધારણની અવગણના કરી ત્યારે ૨૦૦૭ના ઠરાવને અનુલક્ષીને ગુજરાતી સાહિત્ય પરિષદે ૫-૭-૧૫ના રોજ મધ્યસ્થ સમિતિમાં સર્વાનુમતે અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવો ઠરાવ કર્યો અને એના અનુસંધાનમાં શ્રી નિરંજન ભગત અને તત્કાલીન પરિષદ- પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખને આપેલ સત્તા મુજબ બન્ને વિદ્વાન સાહિત્યકારોએ અકાદમીની સાથે અસહકાર કરવાનું ઠરાવ્યું.

ત્યારે પરિષદના જે સભ્યો અકાદમીમાં હતા તેમણે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું જણાવવામાં આવ્યું પરન્તુ કેટલાક મિત્રોએ પરિષદ કરતાં અકાદમી સાથે રહેવાનું મુનાસિબ માનીને પરિષદમાંથી રાજીનામું આપ્યું.

આજે પરિષદે અકાદમીનો અસહકાર કર્યો છે અને અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ સૈદ્ધાંતિક વિચારને સરકાર સુધી વારંવાર પહોંચાડ્યો છે. પણ દુ:ખદ વાત એ છે કે સરકાર માટે આ મુદ્દો બિનમહત્ત્વનો છે અને ત્ોથી પરિષદના કોઈ પણ પત્રનો સરકાર દ્વારા આજ સુધી પ્રત્યુત્તર મળ્યો નથી.



સ્વાયત્તતા એટલે નિષ્ણાતોની નિર્ણાયક સામેલગીરી - રઘુવીર ચૌધરી

ભારતની આઝાદી પછી બેત્રણ દાયકા યુનિવર્સિટીઓમાં કુલપતિની (વાઇસ ચાન્સેલરની) ચૂંટણીઓ થઈ. પછી ત્રણ જણની સમિતિ નામ સૂચવે એમાં ઓછામાં ઓછા એક સરકારી પ્રતિનિધિ હોય. એમણે સૂચવેલું નામ પદ પામે. પરોક્ષે સરકારીકરણ થયું. ઉમાશંકરભાઈ ચૂંટણી લડીને કુલપતિ થયા હતા. ચૂંટણીમાં પણ દૂષણો હોય, એ જાણીતી હતી, છતાં શિક્ષણમાં તેમજ સાહિત્યમાં ચૂંટાયેલી વ્યક્તિના નેતૃત્વમાં કામ થાય એના એ આગ્રહી હતા. એ ઇંગ્લેન્ડનો દાખલો આપતા : ’સ્ટેટ વિધિન સ્ટેટ.’ સુન્દરમે પૂર્વે જે પુરસ્કાર લીધો હતો એ ગૌરવ પુરસ્કાર ઉમાશંકરભાઈએ નકાર્યો, કેમ કે એ સરકારીતંત્રનો નિર્ણય હતો, સાહિત્યપદાર્થના જાણકારોનો ન હતો. એમણે દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના ગૌરવને ટકાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

પુરસ્કારવિતરણમાં પ્રધાનો આવે તો પ્રસિદ્ધિનું કામ અનાયાસ થાય, અધિકારીઓને એવો લોભ હોય. પણ ઉમાશંકરભાઈએ મમ રહીને પ્રસિદ્ધિના વિકલ્પે ગુણવત્તાનું ગૌરવ કર્યું.
૧૯૭૭માં હૈદરાબાદમાં ઉમાશંકરભાઈના હાથે ’ઉપરવાસ કથાત્રયી’ માટે મને પુરસ્કાર મળ્યો, એ ધન્ય ક્ષણનું સ્મરણ ટકી રહૃાું છે. રણજિતરામ ચંદ્રક સાહિત્ય સભાના પ્રમુખને હસ્ત્તે અપાય છે, સાહિત્ય પરિષદ પણ પોતાના પ્રમુખની સેવાઓનો લાભ લે છે.

ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પ્રધાનને હાથે ન લેવાનો નિર્ણય સચિવ શ્રી ભાગ્યેશ ઝાને જણાવ્યો. એ પછી પણ કેટલાક વરિષ્ઠ સાહિત્યકારોએ રાજ્યપાલશ્રી, સાંસ્કૃતિક મંત્રી અને સચિવની સહિયારી વંદના સાંભળી ગૌરવ પુરસ્કાર સ્વીકાર્યો અને આભારના ભાગ તરીકે નિરાંતે પ્રશંસા પણ કરી. એમાં મારા પ્રિય સર્જકમિત્રો હતા, મે એમને ઉમળકાથી અભિનંદન આપ્યાં હતાં. હું પણ આ રીતે હિન્દી માટેનો ગૌરવ પુરસ્કાર લઈ ચૂક્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સ્થગિત થઈ ગઈ હતી એ જાણવા છતાં મેં, મારા ગુરુ ભોળાભાઈ અને બીજાઓએ સરકારી નિર્ણય સામે ડૉ. ટોપીવાળાની જેમ વિદ્રોહ કર્યો ન હતો. અલબત્ત અમે જાહેરમાં સ્વાયત્તતાની તરફેણમાં બોલવાનું ચાલુ રાખ્યું હતું. મંત્રીશ્રી ફકીરભાઈ અને નાનુભાઈ બંને સસ્મિત સાંભળતા.

આદરણીય નારાયણભાઈ દેસાઈના પ્રમુખપદે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આતિથ્યમાં સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું એમાં સ્વાયત્તતાની તરફેણમાં ઠરાવ થયો હતો કેમ કે વચગાળાનાં ૨૦૦૭ સુધીનાં વર્ષોમાં સ્વાયત્તતા સ્થગિત અથવા મૂર્ચ્છિત થઈ હતી. સને ૨૦૧૪માં શ્રી ભાગ્યેશ ઝાને સરકારે રાજ્ય અકાદમીના અધ્યક્ષ નીમ્યા એની સાથે જાગ્રત લેખકોએ વિરોધ કર્યો, સંગઠન રચ્યું, ભાષણો થયાં. શ્રી ધીરુભાઈ પરીખ અને શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાની સહીથી રીટ થઈ. આ સહી વ્યક્તિગત હતી એ બધાને ન સમજાય.

કેમ બે વર્ષ સુધી ચુકાદો ન આવ્યો ? ગુજરાત હાઈકોર્ટ કેમ ઉદાસીન રહી ? કે પછી આ વકીલોની અદાકારી છે ?

અહીં દર્શકનું સ્મરણ થાય છે. એમની ઇચ્છા હતી કે એમની આગેવાનીમાં સૂચવાયેલું ગુજરાત સાહિત્ય અકાદમીનું માળખું વિધાનસભામાં રજૂ થાય અને કાયદાનું સ્વરૂપ પામે. પણ એને બદલે ખાતાના વિભાગીય ઠરાવથી ચલાવી લેવાયું. અગાઉ શ્રી દર્શક સાથે હું એ વખતના નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીનને ત્યાં ગયો હતો. દર્શક બેચેન હતા. ઉઘરાણી કરી ત્યાં શ્રી નરહરિભાઈ કહે : આ તમારા ઉપેન્દ્ર ત્રિવેદી જ કહે છે કે સરકારી અકાદમીના પ્રમુખ તો પ્રધાન હોય, લેખક શેના હોય ? અગાઉ આવું માળખું હતું એની એમને ખબર હશે. સુરેશ દલાલ, રમણલાલ જોશીએ પ્રધાનશ્રીના નેજા નીચે ઉપપ્રમુખ તરીકે કામ કર્યું હતું. એનો એમને આનંદ હશે. મહારાષ્ટ્ર સહિત દેશમાં બધે ઉપપ્રમુખ અથવા નિયુક્ત પ્રમુખ છે. દર્શકે ચૂંટાયેલા પ્રમુખ આપ્યા. પણ પછી ? બંધારણ વિધાનસભામાં રજૂ ન થયું એવી બીજી ઊણપો રહી ગઈ. મહામાત્ર અને મુખ્ય હિસાબનીસ સરકારના તંત્રમાં રહૃાા, આવજા કરતા રહૃાા. દિલ્હી સાહિત્ય અકાદમી પોતે એમની નિમણૂક કરે છે. તેથી કેન્દ્ર સરકાર એના પ્રતિનિધિ ન મોકલે તો પણ ચૂંટણી કરવા સક્ષમ છે. અહીં તો મહામાત્ર સરકારને પૂછીને જ પગલાં ભરે.

બીજી ક્ષતિ એ રહી ગઈ કે પ્રમુખ-ઉપપ્રમુખ સમેત નવી કારોબારી વહીવટ સંભાળે ત્યાં સુધી જ સમિતિ ચાલુ રહે એવી જોગવાઈ સૂચવાઈ નહીં. તેથી મુદત પૂરી થતાં મહામાત્રશ્રીએ બધું સંભાળવાનું આવ્યું. ભોળાભાઈ અને કુમારપાળ બીજા પાંચ વર્ષ માટે સ્ોવાઓ આપવા ચૂંટણી લડવા ઉત્સુક હતા, પણ પહેલા ચિનુભાઈ કોર્ટમાં ગયા, સફળ ન થયા; પણ સરકારે પોતાના પાંચ પ્રતિનિધિ ન નીમ્યા તે ન જ નીમ્યા. એમને અનુકૂળ લેખકોની ખોટ ન હતી, પણ મુખ્યમંત્રી એમની ચાલે ચાલ્યા. ચૂંટાયેલા નવ સાહિત્યકારો પણ કોર્ટમાં ન ગયા. લંબાતું ગયું. મહામાત્ર બદલાતા ગયા. છેલ્લે ’શબ્દસૃૃષ્ટિ’ના સંપાદક હર્ષદ ત્રિવેદી કાર્યકારી મહામાત્ર બન્યા. એ પછી ’શબ્દસૃષ્ટિ’ના સંપાદક ઉપર પરામર્શક સમિતિ નિમાઈ. ડૉ. ટોપીવાળાએ શબ્દસૃષ્ટિમાં લખવાનું બંધ કર્યું. થોડા માસ પછી શિરીષભાઈ પંચાલે પણ સામગ્રી પાછી મેળવી લીધી. મેં પણ પછી ’શબ્દસૃષ્ટિ’માં કશું મોકલ્યું નથી. અલબત્ત સને ૨૦૧૦માં ’જયંતિ દલાલ સમગ્ર સાહિત્ય’ના સંપાદનની જવાબદારી હર્ષદે સોંપેલી એ પૂરી કરી. પણ રમેશ ર. દવેએ એક ગ્રંથ કર્યો હતો છતાં દર્શક ગ્રંથાવલીનું પૂરું થવા આવેલું સંપાદન છોડી દીધું. સ્વાયત્તતાના ઠરાવનો પશ્ર્ચાત્વર્તી અમલ કર્યો. દર્શકના સુપુત્ર રામચંદ્રભાઈ ઇચ્છતા હતા કે અકાદમી ગ્રંથાવલીનું કામ પૂરું કરે.

સ્વાયત્તતાના આંદોલનમાં ’સ્વાયત્ત’ છાપેલો બિલ્લો મેં પહેર્યો નથી. રમેશભાઈ ર. દવે અને સ્વાતિબહેન જોશીએ સામેથી બિલ્લો ધર્યો હતો ત્યારે મેં કહેલું કે ગુજરાતી સાહિત્ય પરિષદનો ઠરાવ છે એ મુજબ વર્તીશું અને જરૂર પડ્યે ઠરાવ ઘૂંટીશું. એમ થયું છે, સર્વાનુમતે.

મેં એક દિૃવસ ચન્દ્રકાન્તભાઈ ટોપીવાળાને ચાલતાં ચાલતાં કહેલું કે કોર્ટના ખર્ચમાં ફાળો આપીશ. ફાળો આપવા મેં ચિ.સંજયને પણ કહેલું. પણ પછી તો રમેશભાઈ અને કિરીટભાઈ આંદોલનના સક્રિય સહયોગીઓથી છૂટા પડેલા. ઘણાનો ઉત્સાહ ઘટ્યો. છતાં જે ટક્યા છે એમને સાથ ન અપાય તોપણ શુભેચ્છા તો આપવી જ ઘટે. બધી લડતો સફળ નથી થતી પણ જાગૃતિ વધારે છે.
મેં અનેક વાર કહૃાું છે કે આ પ્રકારની લડતમાં કડવાશ ન હોવી જોઈએ. નિયુક્ત પ્રમુખ લેખક જ નથી એવાં આત્યાંતિક ઉચ્ચારણો ન કરીએ. મૂલ્યાંકનમાં રાગદ્વેષ પ્રવેશે.
સાહિત્ય પરિષદ એના સ્થાપનાકાળથી જાહેર જીવનનાં મૂલ્યો અને કાર્યપદ્ધતિઓ વિશે ઠરાવો કરે છે. એ રીતે પોતાનું સાંસ્કૃતિક દાયિત્વ અદા કરે છે. આને સરકાર સામેની લડત કહી ન શકાય. નવનિયુક્ત પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પંડ્યા આ સારી રીતે સમજે છે. વરિષ્ઠ નિષ્ણાતોની સમિતિ રચીને ગુજરાત સાહિત્ય અકાદમીના લોકશાહી માળખાને કેવી રીતે પુન:સ્થાપિત કરી શકાય એ વિચારવું જોઈએ.

હાઈકોર્ટ જલદી સક્રિય થાય તોપણ દિૃશાનિર્દેશ મળે. લેખકો લડતા નથી પણ વિચારે છે એ સ્પષ્ટ થાય. ન્યાયતંત્ર પોત્ો નિષ્ણાતોની સ્વાયત્ત રચના છે ત્ોથી એક ન્યાયાધીશ પણ ચુકાદો આપી શકે. દેશના સાહિત્યજગતને સ્વાયત્તતાનો મહિમા સમજાવી શકે.
તા.૨૬-૬-૧૭



સાહિત્ય સ્વાયત્ત હોય, સરકાર નહીં - પરેશ નાયક

લોકશાહી સમાજમાં સાહિત્ય સ્વાયત્ત હોય કે નહીં એ પ્રશ્ન અસ્થાને છે. એ જ રીતે, જાહેર સંસ્થાઓ નિયમોથી બંધાયેલી હોય એ વાત પણ કોઈએ કોઈને સમજાવવાની જરૂર ન હોય. પરંતુ જે વાત આપણે સૌએ વેળાસર સમજી લેવાની જરૂર છે તે એ કે લોકશ્ન માજમાં પ્રજા સ્વાયતે હોય, સરકાર નહીં. મર્ત્ય છે સરકારો, સાહિત્ય કળા છે. એ અમર છે. કોઈ સરકાર સાહિત્યની સ્વાયત્તતાને બાંધી તો જુએ ? જે સરકારોએ એવી નાદાની કરી એ નામશેષ થઈ.

સરકાર પ્રજા થકી જન્મે છે. પ્રજાએ એને સોંપેલી સત્તા વડે એ પ્રજાના હિતમાં કાર્ય કરવા બંધાયેલી છે. જે અર્થમાં સાહિત્ય સ્વાયત્ત છે તે અર્થમાં કોઈ લોકશાહી સરકાર કદાપિ સ્વાયત્ત હોય નહીં. જે લોકશાહી સમાજમાં સાહિત્યિક સંસ્થાઓના આંતરિક માળખા અંગે સરકાર સ્વાયત્તપણે વર્તે ને સાહિત્યિક સંસ્થાના પ્રમુખ નીમવા વિશે હકદાવો માંડે, ત્યારે સૌ નાનામોટા લેખકો, સાહિત્યકારો, કળાકારોએ ચેતવું જોઈએ, કેમ કે આટલી છૂટ મેળવ્યા બાદ જે-તે ’સ્વાયત્ત સરકાર’ સાહિત્યની પોતીકી વ્યાખ્યા રચવા વિશે પ્રવૃત્ત ન થાય તો જ નવાઈ.

લોકશાહી ઢબે વરાયેલી સરકારનું કામ સાહિત્યનું સંચાલન કરવાનું નથી, રાજ્યનું સંચાલન કરવાનું છે. કળા અને સાહિત્યની સંસ્થાઓ કલાકારો અને સાહિત્યકારો વડે ચાલે, સરકારી નિયામકોની મુન્સફી મુજબ નહીં. માટે, સાચી રાજનીતિ પણ કદાચ એ લેખાય કે ઓછી સર્જકતાવાળા કેટલાક મહત્ત્વાકાંક્ષી લેખકો સરકારને સાહિત્ય-સંચાલનનો બોજ વહેવા નોતરું આપે તો એ ઠુકરાવી દેવાય. સરકાર અને સાહિત્ય બ્ોઉનાં ભવિષ્ય માટે આ યોગ્ય ગણાય.

ઉમાશંકર અને દર્શક જેવા બંને મહાન ગુજરાતી સાહિત્યકારોએ જે વાત પ્રજા અને સરકાર બેઉને સહજ સમજાવી હતી તે જ વાત આજે પેચીદી વરતાય એવું શબ્દછળ કેટલાક લેખકો અને સરકારી પ્રતિનિધિઓ આજે ફેલાવી રહૃાા છે.

ગુજરાતી વાચકોએ, પત્રકારોએ, ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓએ તથા યુવા લેખકોએ આ છળને પકડી પાડવા જેટલી દૂરંદેશી દાખવવાની જરૂર છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણીય લોકશાહી માળખામાં દખલઅંદાજી કરીને તથા ચૂંટણીપ્રક્રિયા ટાળીને, સરકારની પસંદગીના નિયામક લાદવામાં આવ્યા. એ સાથે ગુજરાત રાજ્યની ચૂંટાયેલી સરકારે બંધારણીય લોકશાહીની પવિત્ર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. આટલી સ્પષ્ટ વાતને ઘૂંટવા ને પડઘાવવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદે, નાછૂટકે, ચૂંટાયેલી સરકાર સામે ખિલાફતનું વલણ અપનાવવું પડ્યું.

’મારી વાચનકથા’માં મનુભાઈ પંચોળી ’દર્શક’ ઇ.એચ.કારના પુસ્તક ’ન્યૂ સોસાયટી’ના પ્રભાવને યાદ કરતાં ’બધા ભાગ લઈ શકે ત્ોવી લોકશાહી’ની વાત કરે છે. એમાં દર્શક નોંધે છે કે પ્રગતિ માટેના એક અનિવાર્ય મૂલ્ય લેખે ઈ.એચ.કારે સ્વાયત્તતાને ’સર્જનાત્મક કાર્યો માટેના અવકાશ’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. ઇતિહાસવિદે ઇ.એચ.કારની આ વ્યાખ્યા વિશે ’દર્શક’ લખે છે :
’ઇચ્છું કે આ વ્યાખ્યા સૂર્યનાં પ્રસરતાં કિરણોની જેમ અવારનવાર વિકસ્યા કરે.’ પોતાના જીવનકાળ દરમ્યાન દર્શકે એમની ઉપરોક્ત ઇચ્છા સાકાર કરવા અનેક પ્રયાસો કર્યા હતા તે ગુજરાતી પ્રજા અને ગુજરાતી સરકાર બેઉને સુવિદિૃત છે. સ્વાયત્ત ગુજરાત સાહિત્ય અકાદમી પણ એમાંનું જ એક મહત્ત્વનું ડગ હતું તે પણ સૌ જાણે છે.

ત્યારે, આજે હવે, સ્વાયત્ત અકાદમીના એ ચૂંટાયેલા પ્રમુખના આવા ઐતિહાસિક કદમને ભૂંસાતું જોઈ આંખ આડા કાન કરનારા કેટલાક ગુજરાતી સાહિત્યકારો પણ છે જે ’દર્શક’ના જ જીવનદર્શનના વારસદાર હોવાના હકદાવે પોતાના ટૂંકા કદને દર્શકથી ઊંચું અને સ્વનામને ’દર્શક’ના નામથી મોટું કરવા ગુજરાતી સાહિત્યના પર્યાવરણ વિશે ગંભીર ઐતિહાસિક છેકભૂંસ કરી કરાવી રહૃાા છે. આ આઘાતજનક અને દુ:ખદ છે.

ગુજરાતના યુવા લેખકોને સ્વાયત્ત અકાદમી માટેની પરિષદની આગ્રહપૂર્વકની ખેવના તરત કળાતી નથી તેની પાછળ પણ આ, આવા, અને અન્ય પ્રસિદ્ધ ને પુરસ્કૃત સર્જકોની ટૂંકી સ્વાર્થવૃત્તિ નિમિત્ત બની રહી છે તે સવિશેષ દુ:ખની બાબત છે
ઉપર સૂચવ્યા તેવા થોડાક લેખકો, સાહિત્યકારો ઉપરાંત કેટલીક સાહિત્યિક સંસ્થાઓ, જે તાત્ત્વિક અર્થમાં પરિષદના જ જળે સિંચાઈને પલ્લવિત થઈ તે આજે સાહિત્યેતર સમીકરણોને વશવર્તીને સાહિત્યિક મૂલ્યોનાં સરકારી અર્થઘટનોને સમર્થન આપવામાં નિમિત્ત બની બ્ોસ્ો છે ત્ો પણ ગુજરાતી સાહિત્ય અને સંશોધનના ભાવિ માટે અમંગળની એંધાણી આપે છે.

એક ઉપર બીજા વણચૂંટાયેલા પ્રમુખ થોપી દેવાતાં આજે હવે ’સ્વાયત્ત’ વિશેષણ ગુજરાત સાહિત્ય અકાદમીને બદલે ગુજરાત સરકાર સાથે સાંકળવું પડે છે ત્યારે લોકશાહી અને સ્વાયત્તતા બેઉનું અવમૂલ્યન થાય છે. લોકશાહી સમાજમાં સર્જકની સ્વાયત્તતાનું અવમૂલ્યન થવાની ઘટના નાગરિક તરીકેની સ્વાયત્ત વિશે પણ, તરત નહીં તો તરત પછી, ’કેટસ્ટોફિક’ પ્રત્યાઘાતો નિપજાવશે. માટે, નરિંસહબાનીની સાખે, સત્તાના સાન્નિધ્યમાં ભાસતા ’અટપટા ભોગો’ને છાંડીને ’જાગીને જોઈએ’ તો જ સવાર પડવાની છે એટલું સમજી લઈએ તો સારું.



પત્રસેતુ
શ્રી વિષ્ણુ પંડ્યા,
અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી,
ગાંધીનગર

સ્નેહી શ્રી વિષ્ણુભાઈ,

નમસ્તે,
૯મી જૂન, ૨૦૧૭નો તમારો પત્ર મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના હવે પછીના ગુજરાતી સાહિત્ય અંગેના કામ વિશે વિચાર-વિમર્શ કરવા માટે એક મિલનગોષ્ઠિ આપે યોજી અને એમાં જોડાવા નિમંત્રણ આપ્યું, એ માટે આભાર. પણ ભારે ખેદની વાત એ છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ જે કામ પહેલું અને તાકીદે કરવાનું બાકી છે, એ જ કામને તમે મિલનગોષ્ઠિ અને વિચાર-વિમર્શમાંથી બાતલ કરવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણય નિમંત્રણપત્રમાં નિમંત્રિતોને લાગુ પડે એ રીત્ો લખી મોકલ્યો. તમે જે મુદ્દાને બાકાત રાખવાનો નિર્ણય લખી મોકલ્યો છે, એ મુદ્દો છે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો.

આ મુદ્દો શો છે ? સાહિત્ય અકાદમીનું સંચાલન જેમના હાથમાં સોંપાય એવા એના પ્રમુખની પસંદગી અકાદમીના સભ્યો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા કરે કે ગુજરાત સરકાર, ચૂંટણીને બાજુ મૂકી સીધી નિમનક વડે કરે, એ વિકલ્પો વચ્ચેની પસંદગીનો આ પ્રશ્ર્ન છે. અકાદમીના બંધારણમાં આ પસંદગી થઈ ચૂકી છે અને એ બંધારણે સરકારી નિમણૂક નહીં, પ્રમુખની સભ્યો દ્વારા થતી ચૂંટણીને સ્વીકારી છે. સરકાર વડે અકાદમીના પ્રમુખની નિમનક નહીં, સભ્યો દ્વારા એમની લોકશાહી રીતે ચૂંટણી, એ છે અકાદમીની સ્વાયત્તતા. ભૂતકાળમાં શ્રી ઉમાશંકર જોશી, યશવન્તભાઈ શુક્લ, અને દર્શક જેવા વિચારવન્ત લેખકોએ ને તાજેતરમાં શ્રી નારાયણભાઈ દેસાઈ, નિરંજનભાઈ ભગત અને ચન્દ્રકાન્તભાઈ ટોપીવાળા જેવા વિચારવન્ત લેખકોએ અને અન્ય અનેકોએ જેને ગુજરાત સાહિત્ય અકાદમી સાથેના પોતાના સંબંધ માટે નિર્ણાયક ગણી હતી એવી આ અકાદમીની સ્વાયત્તતાને તમે ’અકારણ વિવાદાસ્પદ મુદ્દો’ ગણાવો છો અને એ અંગે વાત ન કરવાની શરતે આ મિલનગોષ્ઠિ અને વિચાર-વિમર્શમાં સહુને નિમંત્રણ આપો છો, એ ખેદની જ નહીં, અવિનયની જ નહીં, પણ અકાદમી માટે, ગુજરાતી સાહિત્ય માટે અને એ વડે પોષાતી પ્રજા માટે વિઘાતક વાત છે.

પડોશી દેશો કરતાં ભારત જુદો જ, માનવીય ગૌરવભર્યો, પ્રગતિ કરતો, સ્વાતંત્ર્યભર્યો દેશ છે, એના મૂળમાં એની લોકશાહી પદ્ધતિએ રાજ્ય જેવી અતિમહત્ત્વની સંસ્થાને યે ચલાવવાનો દેશે લીધેલો અને જાળવેલો નિર્ણય છે. આપણા વિચારવન્ત દેશનો એ નિર્ણય એક તરફ છે. અને સામી તરફ ઉમાશંકર જોશી, દર્શક, નિરંજન ભગત, નારાયણભાઈ દેસાઈ આદિૃએ પુરસ્કારેલા બંધારણ મુજબ જે થવી જોઈતી હતી એવી કોઈ ચૂંટણી વગર અકાદમીના અધ્યક્ષસ્થાને થયેલી નિમણૂક અંગે તમે લીધેલો નિર્ણય છે. એ બ્ો પરસ્પર વિરોધી છે, એ ભારે દુ:ખની વાત છે. સ્વાયત્તતાના મુદ્દાને ’અકારણ વિવાદાસ્પદ’ મુદ્દો ગણવા-ગણાવવાનું વલણ એ તફાવતની નીપજ છે.

સવાલ સાહિત્યના સંખ્યાબંધ કાર્યક્રમો કરી બતાડવાનો, અનેક પુસ્તકો છાપી દેખાડવાનો, મનોરંજનપૂર્વક મેદની જમા કરી આપવાનો નથી. સવાલ સાહિત્ય વડે વ્યક્તિ, સમાજ, પ્રજા અને દેશને વધારે આત્મનિર્ભર, વિચારવન્ત બનવામાં સહાય કરવાનો છે. પોતાની પ્રાણપ્રદ સંસ્થાઓ અંગે જાતે વિચારીને, ગંભીરપણે, પોતે યોગ્ય નિર્ણય કરી શકે, એવું આપઘડતર ગુજરાતી, ભારતીય વ્યક્તિ-સમાજ-પ્રજાનું થાય, એવા યત્નો કરવાનો છે. આપની નિમણૂક અને આ નિમંત્રણ-પત્રમાં આપે શરૂ કરેલી કાર્યશૈલી, બન્ને ફેરવિચાર માગી લે છે.

આવા ફેરવિચાર માટે અમને બોલાવશો તો આનંદ થશે.

આશા છે કે આપણે સહુ સાથે મળી અકાદમીની સ્વાયત્તતા ફરી કાર્યાન્વિત કરીશું.

ફરી નમસ્તે.
સિતાંશુ યશશ્ચન્દ્ર
વડોદરા




(અન્યથા તો અલબત્ત) પ્રિય વિષ્ણુભાઈ,

મૂળ એક સવાલ પરથી ધ્યાન ન હટાવીએ. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષની સરકારને હાથે નિમણૂક થવી જોઈએ કે અકાદમીના સભ્યો દ્વારા ચૂંટણી થવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર કેવળ આજની સરકારને નહીં; આવતી કાલની સરકારોને પણ આજે આપણે આપવાનો છે. પચાસ વરસ પછીના ગુજરાતીઓ પણ આપણા દરેકના આ અંગેના જવાબને વાંચશે ને મૂલવશે.

તમારા ૧૯ જૂનના જવાબી પત્રમાં તમે મને કરેલા સંબોધનમાં ’'પ્રિય' વિશેષણ મૂક્યું અને વાજપેયીજીના પુસ્તક અંગેના એક સમારંભમાં આપણે મળ્યા હતા એ સુખદ સ્મરણ તાજું કર્યું. એનો તો સ્મૃતિ-આનંદ છે જ. ’મીસાવાસ્યમ્’ના લેખક માટેનો સ્નેહાદર તો શેનો ડગે ? એ તો ગ્રંથમૂલક છે. પણ આજે મુદ્દો જુદો અને ગંભીર છે.

કોઈ પણ જનનાયક કે રાજકીય પક્ષ માટે સાગમટે વિરોધ કરવો કે એમનું સાગમટે સમર્થન કરવું એ કોઈ પણ લેખકનું કે નાગરિકનું કામ નથી. તમે તમારા પત્રમાં જેમને વર્ગીકૃત કરી ચોપડે ચઢાવ્યા છે, એવા અકાદમીની સ્વાયત્તતાને ચાહનારા સહુ લેખકો પર, આ મુદ્દે, (અકાદમીના અધ્યક્ષની બંધારણ અનુસાર ચૂંટણી ન કરતાં સરકારી સત્તાથી નિમણૂક કરી દેવાના કામના ગંભીર વિરોધના મુદ્દે) તમારા વર્ગીકરણ દ્વારા થાય છે એવું દોષારોપણ કરવું એ ઠીક નથી. મને પણ એ સહુ લેખકોમાંનો એક ગણો, એ વિનંતી. તમારા પત્રમાંની એ ચાતુર્વર્ણ કે વર્ગવ્યવસ્થા અનુચિત છે. કેમ કે આજની, ગઈ કાલની કે આવતી કાલની સરકારનો મુદ્દાસરનો સ્પષ્ટ વિરોધ, સરકારી અને સરકારી અકાદમીના લાભો જતા કરીનેયે, ન કરવો, એ તો લેખક અને નાગરિકનો ધર્મ ચૂક્યા બરોબર થાય. સ્વાયત્તતા આંદોલન સાથે જોડાયેલા સહુ કોઈ એ ચૂક ન થાય એ માટે એકસાથે રહીને, સચેત છે.

’મીસાવાસ્યમ્’ લખતાં તમને થયું હશે એવો મૂળ સવાલ મને આ સમયે થાય છે : આ ચૂંટણી, આ લોકશાહી, આ સ્વાયત્તતા તે શું છે ?

તમને મોકલેલો મારો પત્ર, અને એને તમે આપેલો ઉત્તર, આપણા એક દૈનિકે પાસે પાસે છાપ્યા છે. એમાં મારા પત્રમાંથી એક પરિચ્છેદ કાઢી નાખ્યો છે. એ ’ઇરેઝ્ડ’ મુદ્દો આજના આ પત્રમાં ફરી તમારા અને સહુના ધ્યાન પર લાવું.

જેને નજરાંદાજ કરવાનો યત્ન કરાયો છે, એવો મારા પત્રમાંનો એ પેરેગ્રાફ, અને તે પછીનો પેરૅગ્રાફ આ મુજબ છે.
આ (જેની ચર્ચા ન કરવાનું સંવાદસભા માટેના તમે પાઠવેલા નિમંત્રણપત્રમાં સહુ જણાવાયું છે, તે) મુદ્દો શો છે ? સાહિત્ય અકાદમીનું સંચાલન જેમના હાથમાં સોંપાય એવા એના પ્રમુખની પસંદગી અકાદમીના સભ્યો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા કરે કે ગુજરાત સરકાર, ચૂંટણીને બાજુ મૂકી સીધી નિમણૂક વડે કરે, એ વિકલ્પો વચ્ચેની પસંદગીનો આ પ્રશ્ન છે. અકાદમીના બંધારણમાં આ પસંદગી થઈ ચૂકી છે અને એ બંધારણે સરકારી નિમનક નહીં, પ્રમુખની સભ્યો દ્વારા થતી ચૂંટણીને સ્વીકારી છે. સરકાર વડે અકાદમીના પ્રમુખની નીમણૂંક નહીં, સભ્યો દ્વારા એમની લોકશાહી રીત્ો ચૂંટણી, એ છે અકાદેમીની સ્વાયત્તતા.

ભૂતકાળમાં શ્રી ઉમાશંકર જોશી, યશવન્તભાઈ શુક્લ અને દર્શક જેવા વિચારવન્ત લેખકોએ ને તાજેતરમાં શ્રી નારાયણભાઈ દેસાઈ, નિરંજનભાઈ ભગત અને ચન્દ્રકાન્ત ટોપીવાળા જેવા વિચારવન્ત લેખકોએ અને અન્ય અનેકોએ જેને ગુજરાત સાહિત્ય અકાદમી સાથેના પોતાના સંબંધ માટે નિર્ણાયક ગણી હતી એવી આ અકાદમીની સ્વાયત્તતાને તમે ’અકારણ વિવાદાસ્પદ મુદ્દો’ ગણાવો છો અને વાત ન કરવાની શરતે આ મિલનગોષ્ઠિ અને વિચાર-વિમર્શમાં સહુને નિમંત્રણ આપો છો. એ ખેદની જ નહીં, અવિનયની જ નહીં, પણ અકાદમી માટે, ગુજરાતી સાહિત્યને માટે અને એ વડે પોષાતી પ્રજા માટે વિઘાતક વાત છે.

આ મુદ્દો વિષ્ણુભાઈ, ઇરેઝ કરવા જેવો નથી.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે સરકારી સત્તાની રૂએ, અકાદમીના બજેટનાં બધાં નાણાં પોતે આપે છે, એ અધિકારે, કોઈ પણ સરકાર નિમણૂક કરે, ચૂંટણી ન થવા દે, એ પ્રથા (ગમે તે પક્ષની સરકાર, ગમે તે સમયગાળામાં હોય તોપણ) સર્વથા અસ્વીકાર્ય છે, એમ મારું અને બીજા લેખકોનું માનવું છે. પણ એમ કહેનારાઓ ઉપર વિવિધ આરોપો કરી, એ પ્રથાના સમર્થનમાં આવનારા કેટલી સંખ્યામાં છે, એ આંકડા તમે મારા પરના પત્રમાં આપ્યા છે. અહીં સવાલ આંકડાઓનો નથી, આ કે તે પક્ષની સરકારનોયે નથી; સવાલ ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વની અને પ્રજાના પૈસે ચાલતી સંસ્થાના સ્વરૂપનો, એના સંચાલનની પદ્ધતિનો છે.

પ્રજાએ ચૂંટેલી સરકાર પોતાની ભાષાના સાહિત્યની એક મહત્ત્વની સંસ્થાનું સંચાલન કરવામાં કઈ પ્રથા, કઈ પદ્ધતિ અપનાવે ? એ સાહિત્યિક સંસ્થા જે ભાષાની છે એ ગુજરાતી ભાષા-સાહિત્યના ઉમાશંકર જોશી આદિૃ ઉત્તમ લેખકોએ આગ્રહ રાખીને બનાવેલા બંધારણને બાજુ રાખીને ? એ મુજબની અધ્યક્ષસ્થાન માટેની ચૂંટણીની પ્રથાને બંધ કરીને, અને પોતાની સત્તાને જોરે અધ્યક્ષની નિમણૂક કરીને ? એ રીતે સંસ્થા-સંચાલન કરવાનું કોઈ વિચારવંત સરકાર પસંદ કરે ? જો અનવધાનથી કોઈ સરકાર એમ કરે, તો એ સરકારને એ મુદ્દા પર ટેકો આપનારાઓને એ સરકારના હિતેચ્છુ ગણવા કે કેમ ? આ મુદ્દો પણ સહુ વિચારવંતો (સમાજમાં અને સરકારમાં રહેલા વિચારવંતો) વિચારે.

સાહિત્યની સંસ્થાને આ રીત્ો ચલાવવા બદલ સરકારની પીઠ ઉમાશંકર જોશી, દર્શક આદિૃએ આજે થાબડી હોત એમ તમે પત્રમાં લખ્યું છે. આ મુદ્દે પોતાની પીઠ પર, થાબડવાને બહાને પણ કોઈ પોતાનો હાથ તમારી કે સરકારની પીઠ તરફ લઈ જાય, તો એ હાથ ઉમાશંકર જોશી કે દર્શકનો ન હોય, એમ માનું છું. વળી સદ્ભાવ હોવાને કારણે સૂચવું કે એ’મહાનુભાવો’ની હાથની મુઠ્ઠીમાં શું ઝાલેલું હોઈ શકે, એ પણ, જેની એ પીઠ હોય એણે સમયસર વિચારી લેવું જોઈએ.

’હવેલી લેતાં ગુજરાત ખોઈ’, એ શબ્દો ગુજરાતની પ્રજાએ આજ સદીઓથી યાદ રાખ્યા છે. રાજકીય પક્ષોમાં જે વિચારવંત, પ્રજાહિતિંચતક, કર્મઠ અને કામયાબ શક્તિપ્રવાહો છે, એમને માટે નાગરિકને નાતે મારા મનમાં, બલ્કે તમારી વર્ણવ્યવસ્થામાં અલગ પાડેલા પણ આ મુદ્દે એકજૂટ એવા સહુના મનમાં સદ્ભાવ અને શુભેચ્છા છે. એ સદ્ભાવ અને શુભેચ્છાની ભૂમિકાએથી જ, સરકારને અને તમને એક વિનંતી. આ વરસ - બે વરસના ગાળામાં ગુજરાત સાહિત્ય અકાદમીના ઉમાશંકર જોશી આદિએ જેનો આગ્રહ રાખ્યો છે એ બંધારણ ફરી સક્રિય થાય. અધ્યક્ષ ફરી ચૂંટણી દ્વારા પસંદ થાય. લોકશાહી રીતે પણ ઉત્તમ અને ઝડપી કામ થઈ શકે છે એ હકીકત ભારતમાં સિદ્ધ થઈ છે (અને પડોશી દેશોમાં નથી થઈ શકી). ગુજરાત સાહિત્ય અકાદમી એ ભારતીય રીતે ફરી ચાલે. બંધારણ અનુસાર ચૂંટણી, ન કે સત્તા અને પૈસાને જોરે નિમણૂક, એ રીતે ચાલે. એમાં લેખકો, પ્રજા, સરકાર સહુનું ગૌરવ છે. એ હકીકત ભારતના ગુજરાતની પોતાની સાહિત્ય અકાદમીમાં પણ આજે નહીં તો વરસે બે વરસે ફરી સિદ્ધ થાય. એ અપેક્ષા અને શુભેચ્છા. તમે, વિષ્ણુભાઈ, એ રિસ્ટોરેશનની પ્રક્રિયામાં ફરી સક્રિય બનો, આપણી સહુની સાથે.

સિતાંશુ યશશ્ચન્દ્ર,
૨૭ જૂન, ૨૦૧૭




પ્રિય સિતાંશુ,
તમારો પત્ર સમયસર મળી ગયો હતો પણ સંવાદ સભામાં વ્યસ્ત હતો એટલે જલ્દીથી જવાબ આપી શક્યો નથી તેને માટે દિલગીર છું.

આપણી વચ્ચે તો સ્નેહાદર ભાવ રહૃાો છે. અટલબિહારી વાજપેયીજીના પુસ્તક- લોકાર્પણ કાર્યક્રમમાં તમે અને કે.કા. શાસ્ત્રીજી અતિથિ વિશેષ હતા ને રાતે કવિ સંમેલનમાં તમે કાવ્યપઠન કર્યું હતું. ફાર્બસ સામયિકમાં તંત્રીલેખમાં તમે મારા પુસ્તક ’મીસાવાસ્યમ’ને વખાણ્યું હતું તેનું પણ સ્મરણ છે. આજે તેના અનુસંધાને વર્તમાન મુદ્દા વિષે મારો અભિપ્રાય તમારા સુધી પહોંચાડું છું. કારણ એ છે કે સ્વાયત્તતાના આંદોલનના નામે જે નિવેદનો આવે છે તેમાં ચાર પ્રકારના લોકો સૂત્રધારો છે. એક વર્ગ એ છે જેને નરેન્દ્ર મોદી, ભાજપ, આર.એસ.એસ.નું સાર્વજનિક આધિપત્ય ગમતું નથી તેવા છદ્મ સામ્યવાદી ડાબેરીઓ છે. બીજો વર્ગ જેમને કૈંક મેળવવું હતું અને મળ્યું નહીં તેવો છે. ત્રીજો વર્ગ વિચારના નામે કોઈ વિરોધી મુદ્દો જીવતો રહે તેવી ઇચ્છા ધરાવે છે. ચોથો વર્ગ તમારા જેવા પ્રબુદ્ધોનો છે જેમાં તમે નિર્દેશિત સાહિત્યકારો - નિરંજન ભગત વગેરે છે. આમા ભગતસાહેબ, રઘુવીર ચૌધરી અને તમારા જેવા સર્જકો સાથે તો કોઈ પણ ચર્ચા થઈ શકે તે હું સ્વીકારું છું.
ચોથું એવું નામ મળતું નથી. સાહિત્ય પરિષદના ઘણા હોદ્દેદારોએ અકાદમીના અધ્યક્ષ તરીકે મારી ’નિયુક્તિ’ને ફોન પર આવકારી છે એ તમારી જાણ માટે લખું છું અને પરિષદની સ્વાયત્તતામાં ગૂંંગળાયેલા અને રાજીનામું આપીને છૂટા થયેલા સાહિત્યકારોની યાદી મોટી છે તે તમે જાણો છો. આ હું એટલા માટે લખી રહૃાો છું કે તમે સ્વાયત્તતા અને ચૂંટાયેલા પ્રમુખની વાત આ પત્રમાં કરી છે. એ તદ્દન સ્પષ્ટ છે કે સરકારના સંપૂર્ણ ખર્ચથી અકાદમી ચાલે છે. જો લોકશાહીની જ વાત કરવી હોય તો આ અકાદમી ગુજરાતની પ્રજાએ ચૂંટી કાઢેલી સરકારે બનાવી છે. અકાદમીમાં ચૂંટણી થાય અને પ્રમુખ તેમાંથી ચૂંટાઈ આવે એટલે ’સ્વાયત્તતા’ સિદ્ધ થઈ જાય ?

વાસ્તવમાં એવું નથી. અધ્યક્ષ તરીકેની મારી પસંદગીને ગુજરાતનાં તમામ ક્ષેત્રોના મહાજનો તરફથી આવકાર મળતો આવ્યો છે તેનો અર્થ એ છે કે સાહિત્ય- સંસ્થાઓએ માત્ર સાહિત્યનું સંવર્ધન થાય તેના તરફ જ ધ્યાન આપવું જોઈએ. અન્ય સંસ્થાઓમાં સ્વાયત્તતા હોવી જોઈએ કે નહી તેની ચિંતા ચર્ચા અત્યારે જે સ્તરે ચાલે છે તેનાથી તો સાહિત્યકારોની જ પ્રતિભા નાગરિકો પાસે ઝાંખી થવા લાગી છે. એટલે તો પરિષદના બે જ હોદ્દેદારોએ ફતવો બહાર પાડ્યો કે અકાદમીની સાહિત્યકાર તેમજ સાહિત્યપ્રેમીઓની ગોષ્ઠિમાં જવું નહિ તેમ છતાં અઢારમીએ અમદાવાદમાં જે ગોષ્ઠિ થઈ તેના અહેવાલ મેળવશો તો ખાતરી થશે કે ગુજરાતી નાગરિક અને તેનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ કેવું પરિવર્તન ઇચ્છે છે. એકદંડિયા મહેલમાં બેસીને કે દર્શક, દેસાઈ જેવાં નામોનો ઉપયોગ કરીને સ્વાયત્તતાની ઝંડી ફરકાવવામાં આવે છે તેમાં પ્રજાને જરીકેય રસ નથી. તે તો ઉત્તમ સાહિત્ય રચાય, તેનું સંવર્ધન થાય, નવોદિૃત કલમોમાં પડેલી શક્તિને પારખવામાં આવે તેવાં કામો ઇચ્છે છે. એટલે આ ગોષ્ઠિમાં ઉપસ્થિત ૨૦૦ જેટલા, જુદાં જુદાં ક્ષેત્રોના માન્ય આગેવાનો અને વિદ્યાર્થીઓ સમક્ષ મેં કહૃાું કે આ સંવાદ-સભા છે. વિવાદ-સભા નથી અને ૩૦ જેટલા વક્તાઓએ અભિપ્રાય આપ્યા તેમાં ગુજરાતી સાહિત્ય વિશેજ મુખ્ય ચર્ચા થઈ. તેમાંના ઘણા પ્રથિતયશ સર્જકો પણ હતા.

સિતાંશુભાઈ, અકાદમી અને પરિષદ વચ્ચેના આ અર્થહીન સંઘર્ષની જડ તમે સારી રીતે જાણો છો. આ મુદ્દાને અકારણ ચગાવવામાં આવ્યો છે. આજે દર્શક, ઉમાશંકરભાઈ કે બીજા સ્વર્ગસ્થ મહાનુભાવો હોત તો અકાદમીએ ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલા સાહિત્ય સંવર્ધનનું આયોજન કર્યું છે તેને જરૂર પીઠ થાબડી હોત. પરિષદના સમજદાર આગેવાનોએ આત્મમંથન કરવા જેવું છે એવું ઘણાને લાગે છે. ચર્ચા અને સંવાદના દરવાજા સુરેશ જોશી કહેતા તેમ ખુલ્લા છે, ગમે ત્યારે તમે કહેશો ત્યારે જરૂર મળીશું.

વિષ્ણુ પંડ્યા ૧૯-૬-’૨૦૧૭




સરકારનિષ્ઠા અને તર્કછળ

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યાએ ૧૮મી જૂને રાખેલી ’મિલનગોષ્ઠિ’ના પ્રત્યુત્તર રૂપે અમે એમને લખેલું કે -
’જો તમારી આ ગોષ્ઠિ ’સ્વાયત્તતા અને તેવા અકારણ વિવાદાસ્પદ મુદ્દાને બાજુ પર’ રાખવાની શરત સાથે કરવાની હોય તો એ, તમે લખ્યું છે એવો ’સહિયારો પ્રયાસ’ રહેતી નથી પરંતુ એકપક્ષી અને પૂૂર્વગ્રહગ્રસ્ત બને છે. વિચારવિમર્શને જ સીમિત અને કુંઠિત કરી દેતું આ એક પ્રકારનું તર્કછળ છે.

હવે, શ્રી સિતાંશુ યશશ્ર્ચંદ્ર સાથે થયેલા (જાહેર) પત્ર-વ્યવહારમાં વળી આ શ્રી વિષ્ણુ પંડ્યાનો એક વિલક્ષણ સરકારનિષ્ઠ ’અવાજ’ સંભળાયો છે એના પ્રતિભાવ રૂપે બેત્રણ બાબતો અમારે કહેવાની થાય છે -

૧. વિષ્ણુભાઈ કહે છે : ’સ્વાયત્તતા-આંદોલનને નામે જે નિવેદનો આવે છે એમાં... એક વર્ગ એ છે જેને નરેન્દ્ર મોદી, ભાજપનું સાર્વજનિક આધિપત્ય ગમતું નથી.’ એક વખતના ’’સાર્વજનિક આધિપત્ય’’ના વિરોધમાંથી તો તમારું મિસાવાસ્યમ્ આવેલું હવે તમે ’સ્વાયત્તતા’ના વિરોધમાં એને ’ગમતુ’ કરશો ? અમારી વાત તો એ છે કે ભાજપ વગેરે કોઈ પક્ષ સામે નહીં, કોઈ પણ સરકારના (હોત એ) ગેરબંધારણીય નિર્ણય સામે અમારો વાંધો છે.
૨. સ્વાયત્તતા એ, વિષ્ણુભાઈ, કોઈ વિરોધી પક્ષ કે કોઈ દલીલ નથી; એ તો સાહિત્ય અને કલા સાથે રહેતું એક કાયમી મૂલ્ય છે જે સાહિત્યકારના સ્વમાનની ખેવના કરે છે.
૩. અમને લાગે છે કે સરકારનો આશય કેવળ સરકાર-નિષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે એને જ ’સાહિત્ય’ અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાનો રહૃાો છે. જો નિયુક્તિ સાહિત્ય-નિષ્ઠ રહી હોત -
સાહિત્યહિતાર્થે કરવી હોત તો જેની લાંબી અને ઊજળી સાહિત્ય-કારકિર્દી છે, જેનું ઘણું મોટું સાહિત્યિક પ્રદાન છે એવા કોઈ ગુજરાતી લેખકની નિયુક્તિ કેમ ન થઈ ? બંનેમાંથી એક પણ વખતે? ૪. તમે લખો છો કે - ’અકાદમીમાં ચૂંટણી થાય અને પ્રમુખ તેમાંથી ચૂંટાઈ આવે એટલે ’સ્વાયત્તતા’ સિદ્ધ થઈ જાય ?’
અધ્યક્ષ એ રીતે ચૂંટાઈ આવે વિષ્ણુભાઈ, ત્યાંથી ’સ્વાયત્તતા’ શરૂ થાય. પછી (તમેય જોડાવા ઇચ્છો તો) આપણે સૌ એને સિદ્ધ કરીએ.
લોકશાહી પદ્ધતિએ, સાહિત્યકાર સભ્યો દ્વારા થયેલી ચૂંટણીપ્રક્રિયાનું કેવું પરિણામ આવે એ તો ગુજરાતી સાહિત્ય પરિષદની ગત ચૂંટણીએ બતાવી આપ્યું - જેમનું સાહિત્યકાર્ય ન જેવું હતું એની સામે જેમની સાહિત્યકારકિર્દી લાંબી અને ઉજ્જવળ હતી એ લેખક ચૂંટાઈ આવ્યા. મૂલ્યનિર્ણય સૌએ મળીને કર્યો. અમે તો વિષ્ણુભાઈ, આને જ ’સ્વાયત્તતા’ અને ’લેખક-ગૌરવ’ ગણીએ છીએ. તમે ?

કુશળ હશો.
લિ.
હિમાંશી શેલત
રમણ સોની
જયદેવ શુક્લ
રમણીક સોમેશ્વર
ડંકેશ ઓઝા

 

સંકલન: પરબ - જુલાઈ ૨૦૧૭

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.