વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

મુંબઈ

- નટવર ગાંધી


અહીં પ્રથમ જોઈ મેં નગર સંસ્કૃતિ, વિકૃતિ,
થિયેટર, નિયોન, બાગ બગીચા, ઝરૂખા ઊંચા,
મિરાત, મિજબાની, મ્યુઝિયમ, ભવ્ય ગેલરી, ઝૂ.
હવાઈઘર, રમ્ય, સ્ટેડિયમ, રોડ આસ્ફાલ્ટના.

કિતાબઘર ને મિનાર, વળી વિશ્વ વિદ્યાલયો,
ઊંચી ડબલ ડેક, ટ્રામ, ટ્રક, ટ્રેન ઈલેક્ટ્રિક
ખીચોખીચ લઈ જતી ઝડપથી જનો ઑફિસે,
કરું નજર અત્ર તત્ર બસ માણસો, માણસો !

ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.


('કવિતા': ઑક્ટો.નવેં.૨૦૦૫)



વાચનકક્ષમાં ઉમેરો: મે ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.